ઇન્‍દીરા એકાદશી (ભાદરવા વદ-૧૧)

 યુધિષ્ઠિરે પૂછયું : પ્રભુ ! કૃપા કરીને મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ?
પ્રભુ બોલ્‍યાઃ ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાઁ ઇન્‍દીરાનામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.
રાજન ! પૂર્વકાળની વાત છે. સતયુગમાં ઇન્‍દ્રસેન નામનો એક વિખ્‍યાત રાજકુમાર હતોે એનો યશ ચારે દિશામાં ફેલાઇ ગયો હતો. રાજા ઇન્‍દ્રસેન વિષ્‍ણુની ભકિતમાં લીન થઇને ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતાં કરતાં સમય વ્‍યતિત કરતો અને વિધિપૂર્વક અધ્‍યાત્‍મ તત્‍વના ચિંતનમાં મગ્‍ન રહેતો.
એક દિવસ રાજા રાજયમાં સુખપૂર્વક
 બેઠો હતો. એવામાં મહર્ષિ નારદ આકાશ માર્ગે ત્‍યાં આવી પહોચ્‍યા. દેવર્ષિને આવેલા જોઇને રાજા હાથ જોડીને ઉભો થઇ ગયો, અને વિધિપૂર્વક પૂજન કરીને એમને આસન પર બેસાડયા. ત્‍યાર બાદ રાજાએ કહ્યું : હે મુનિશ્રેષ્‍ઠ ! આપની કૃપાથી મારું સર્વ કાંઇ કુશળ છે. અને આપના દર્શનથી મારો અવતાર ધન્‍ય થઇ ગયો. દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો.
નારદજીએ કહ્યું 
: રાજન ! સાંભળો, મારી વાત તમને આશ્ર્ચર્ય પમાડનારી છે. હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્‍યો હતો. ત્‍યાં એક આસન ઉપર બેસાડીને યમરાજે ભકિતપૂર્વક મારી પૂજા કરી. એ સમયે યમરાજાની સભામાં મે તમારા પિતાને પણ જોયા હતા ! એ વ્રતભંગના પ્રભાવથી ત્‍યાં આવ્‍યા હતા. રાજન ! એમણે તમને કહેવા માટે એક સંદેશ મોકલ્‍યો છે. સાંભળો, પુત્ર ! મને ઇન્‍દીરા એકાદશીના વ્રતનું પૂણ્ય અર્પણ કરીને સ્‍વર્ગમાં મોકલ! એમનો આ સંદેશ લઇને હું તમારી પાસે આવ્‍યો છું. રાજન ! તમારા પિતાને સ્‍વર્ગ લોકની પ્રપ્તિ કરાવવા માટે ઇન્‍દીરા એકાદશીનું વ્રત કરો. રાજાએ પૂછયું : મુને ! કૃપા કરીને ઇન્‍દીરા એકાદશીનું વ્રત કહો.
નારદજી બોલ્‍યાઃ 
રાજેન્‍દ્ર સાંભળો. હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું. ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રધ્‍ધાયુકત ચિત્તથી પ્રાતઃકાળે સ્‍નાન કરવું. પછી મધ્‍યાહન કાળમાં સ્‍નાન કરીને એકાગ્રવિત્ત થઇને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું રાત્રિના અંતે નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે દાતણ કરીને મોં ધોવું. ત્‍યારબાદ સ્‍નાન કરીને ઉપવાસ કરવો. બપોરે પિતૃઓની પ્રસન્‍નતા માટે શાલીગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાધ્‍ધ કરવું. અને દક્ષિણા આપીને બ્રહ્મપોને ભોજન કરાવવું. પિતૃઓને અર્પણ કરેલ અન્‍નમય પિંડને સુંઘીને ગાયને ખવડાવી દેવો. પછી ધૂપદિપથી શ્રી કૃષ્‍ણે પૂંજીને રાત્રે જાગરણ કરવું. બારીના દિવસે શ્રીહરિની પૂજાકરીને ભાઇ-બહેન, પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું.
રાજન ! આ વિધિ પ્રમાણે આળસરહિત બનીને તમે ઇન્‍દીરા એકાદશીનું વ્રત કરો. આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે.
શ્રીકૃષ્‍ણ કહે છેઃ 
રાજન ! રાજા ઇન્‍દ્રસેનને આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધાન થઇ ગયા. રાજાએ એમણે બતાવેલી વિધિ પ્રમાણે અંતઃપૂરની રાણીઓ પુત્રો અને ભાઇઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું.
રાજન ! વ્રત પુરુ થતાં આકાશમાંથી પુષ્‍પોની વૃષ્ટિ થવા લાગી. ઇન્‍દ્રસેનના પિતા ગરુડ પર આરુઢ થઇને વિષ્‍ણુ ધામમાં ચાલ્‍યા ગયા. સમય પૂરો થતાં રાજા ઇન્‍દ્રસેન પોતાનું રાજય પુત્રને સોંપીને પોતે પણ સ્‍વર્ગલોકમાં ચાલ્‍યા ગયા.
રાજન ! આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્‍દીરા એકાદશીના વ્રતનો પ્રભાવ કહ્યો છે. આને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્‍ય બધા પાપોથી મુકત થઇ જાય છે.