ધર્મરાજા બોલ્યાઃ “હે જનાર્દન ! હવે આપ મને અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિષે જણાવો.”
શ્રી કૃષ્ણ બોલ્યાઃ “હે રાજન ! આ એકાદશીનું નામ “પરમા” છે. આના વ્રતથી બધા પાપો નષ્ટ થઇ જાય છે. આ એકાદશીની મનોહર કથા છે. ધ્યાનપૂર્વક સાંભળો.”
“કામ્પિલ્ય નગરીમાં સુમેધા નામનો અત્યંત ધર્માત્મા બ્રહ્મણ રહેતો હતો. એની સ્ત્રી અત્યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. પૂર્વના કોઇ પાપને કારણે આ દંપતિ અત્યંત દરિદ્ર હતું. એ બ્રહ્મણની પત્ની પોતાના પતિની સેવા કરતી રહેતી, તથા અતિથિને અન્નદાન કરીને પોતે ભૂખી રહેતી”
એક દિવસ સુમેઘાએ પોતાની પત્નીને કહ્યું : “હે પ્રિયે ! ગૃહસ્થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને કઇંક ઉદ્યોગ કરું.”
એની પત્નીએ કહ્યું : “હે પ્રણનાથ ! પતિ સારું કે ખરાબ જે કંઇ પણ કહે પત્નીએ એજ કરવું જોઇએ. મનુષ્યને પૂર્વજન્મના કર્મોનું ફળ મળે છે. વિધાતાએ ભાગ્યમાં જે કઇ લખ્યું હશે એ ટાળવાથી પણ નથી ટળતું. હે પ્રાણનાથ ! આપને કયાય નવાની આવશ્યકતા નથી. ભાગ્યમાં જે હશે તે અહીંયા જ મળી જશે. !”
પત્નીની વાત માનીને બ્રાહ્મણ પરદેશ ન ગયો એક સમય કૌન્ડિન્ય મુનિ ત્યાં આવ્યાં. તેમને જોઇને સુમેઘા અને એની પત્નીએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા “આજે અમે ધન્ય થયા. આપના દર્શનથી આજે અમારું જીવન સફળ થયું” મુનિને એમણે આસન અને ભોજન આપ્યું.
ભોજન પછી પતિવ્રતા બોલીઃ “હે મુનિવર ! મારા ભાગ્યથી આપ પધાર્યા છો. મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે હવે મારી દરિદ્રતા શીધ્ર દૂર થનાર છે. આપ અમારી દરિદ્રતા નષ્ટ કરવા માટે ઉપાય બતાવો.”
આ સાંભળીને કૌન્ડિન્ય મૂનિ બોલ્યાઃ “અધિક માસની કષ્ણ પક્ષની “પરમા” એકાદશીના વ્રતથી બધા પાપ,, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્ટ થઇ જાય છે. જે મનુષ્ય આ વ્રત કરે છે, એ ધનવાન થઇ જય છે. આ વ્રતમાં ભજન-કીર્તન વગેરે સહિત રાત્રી જાગરણ કરવું જોઇએ. આ વ્રત કરવાથી જ કુબેરજીને મહાદેવજીએ ધનાધ્યક્ષ બનાવી દીધા હતા. આ જ વ્રતના પ્રભાવથી સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજય પાછા મળ્યા હતા.”
કૌન્ડિન્ય મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું પાંચ દિવસ સુધી વ્રત કર્યું. આ વ્રત સમાપ્ત થતા જ બ્રાહ્મણની પત્નીએ એક રાજકુમારને પોતાને ત્યાં આવતો જોયો. રાજકુમારે બ્રહ્માજીની પ્રેરણાથી આજીવિકા માટે એક ગામ તથા બધી વસ્તુઓથી સુંદર ઘર રહેવા માટે બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ પતિ-પત્ની વ્રતના પ્રભાવે આ લોકમાં અત્યંત સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયાં.
શ્રી કૃષ્ણે કહ્યું : “હે પાર્થ ! જે મનુષ્ય પરમા એકાદશીનું વ્રત કરે છે, એને કધા તીર્થો અને યજ્ઞોનું ફળ મળે છે.”