સફલા એકાદશી (માગશર વદ-૧૧)

 યુધિષ્ઠિરે પૂછયું : “સ્‍વામિ! માગશર માસના વદ પક્ષમાં જે એકાદશી આવે છે, એનું શું નામ છે? એની શું વિધિ છે ? અને એમાં કયાં દેવની પૂજા કરવામાં આવે છે? એ કહો.
ભગવાન શ્રીકૃષ્‍ણે કહ્યું 
: રાજન! મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્‍ઠાનથી થાય છે. માગશર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે. એ દિવસે વિધિસહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઇએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં ઇન્‍દ્ર અને મનુષ્‍યોમાં બ્રાહ્મણો શ્રેષ્‍ઠ છે એમ બધાં પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે.
રાજન! સફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા શ્રીહરિનું પુજન કરવું. સફલા એકાદશીએ વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્‍ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ. જાગરણ કરનારાને તે ફળની પ્રાપ્તિ થાય છે, જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું.
નૃપશ્રેષ્‍ઠ! હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળોઃ- ચંપનવતી નામનું એક વિખ્‍યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્‍મતની રાજધાની હતી રાજર્ષિ મહિષ્‍મનના પાંચ પુત્રો હતો. જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્‍ત્રીગામી, અને વૈશ્‍યાસકત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચારપરાયણ અને બ્રાહ્મપોનો નિંદક હતો. તે વૈષ્‍ણવો અને દેવોની હંમેશા નિંદા કરતા હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષ્‍મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને અનેને રાજયમાંથી બહાર કાઢી મૂકયો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્‍યો ગયો. ત્‍યાંજ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું. એક દિવસ જયારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્‍યો ત્‍યારે ચોકીદારીએ એને પકડી લીધો. પરંતુ જયારે એણે કહ્યું કે હું રાજા મહિષ્‍મતનો પુત્ર છું, ત્‍યારે ચોકીદારોએ એને છોડી મૂકયો. પછી એ વનમાં પાછો આવ્‍યો એને માંસ અને ફળો ખાઇને જીવન નિર્વાહ કરવા લાગ્‍યો. એ દૃષ્‍ટનું વિશ્રામસ્‍થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્‍યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્‍યાંજ રહેતો હતો.
એક દિવસે કોઇ સંચિત પૂણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું. માગશર માસના કૃષ્‍ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા, અને વસ્‍ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. આથી એ સમય એને ઉંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્‍પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્‍યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડયો રહ્યો. બપોરે એને ભાન આવ્‍યું ત્‍યારે ઊભો થઇને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઇ રહ્યો હતો. રાજન! જયારે લુંભક ઘણા બધા ફળો લઇને વિશ્રામસ્‍થાને આવ્‍યો ત્‍યાં સુધીમાં સૂર્યોદય અસ્‍ત થઇ ગયો હતો. ત્‍યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્‍મીપતિ ભગવાન વિષ્‍ણુ સંતુષ્‍ટ થાય! આમ કહીને લુંભત રાત ભર ઉંઘ્યો નહિંફ આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે  આકાશવાણી થઇઃ 
રાજનકુમાર! તું સફલા એકાદશીના પ્રસાદથી રાજય અને પુત્ર પ્રાપ્‍ત કરીશ. ઘણું સારુ! કહીને એણે વરદાન સ્‍વીકારી લીધું. ત્‍યાર પછી એનું રુપ દિવ્‍ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્‍ણુંના ભજનમાં લાગી ગઇ. દિવ્‍ય આભુષણોની શોભાની સંપન્‍ન થઇને એણે નિષ્‍કંટક રાજય પ્રાપ્‍ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રીકૃષ્‍ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્‍તી થઇ. જયારે પુત્ર મોટો થયો ત્‍યારે લુંભકે તરત રાજયની મમતા છોડીને રાજય પુત્રને સોંપી દીધુ, અને એ ભગવાન શ્રીકૃષ્‍ણના ચરણોમાં પહોંચી ગયો કે જયાં જઇને મનુષ્‍ય કયારેય શોકમાં નથી પડતો.
રાજન! આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કે છે, તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્‍યુ પછી મોક્ષ પ્રાપ્‍ત કરે છે. સંસારમાં એ મનુષ્‍ય ધન્‍ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્‍ન રહે છે. અને એનો જ જન્‍મ સફળ છે. આના મહિમાને વાંચવા-સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્‍ય રાજયસુર્ય યજ્ઞનું ફળ મેળવે છે.