યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.”
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાઃ “રાજન ! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇચ્છુ છું, કે અષાઢના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મને કહો !”
બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઇચ્છાથી તમારા પ્રશ્ર્નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુંનું પૂજન કરવું જોઇએ.”
ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે. એ ઘણું દુર્લભ પૂણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બન્નેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્યે યથાશકિત, પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો.
લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને વિષ્ણુ એટલા સંતુષ્ટનથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રધ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે.”