ગોપાળાનંદ મુનિ ગંભિર, પૂર્વના યોગી અતિ શૂરવીર l
ત્યાગીને તપસ્વી ધરે હરિધ્યાન, હરિની ભકિત કરે બુદ્ધિવાન ll
જાણે વેદશાસ્ત્ર પુરાણોના અર્થ, કરી શ્રમદ્ ભાગવત ટીકા સમર્થ l
જેણે કર્યું ભગવત્ ગીતાનું ભાષ્ય, અતિ ગૂઢાર્થ કીધા પ્રકાશ ll
(નંદમાળા – મંજુકેશાનંદજી)
જન્મભૂમિ – ટોડલા ગામ
જન્મ સમય – સંવત ૧૮૩૮ મહા સુદ ૮ સોમવાર તા. ૨૧/૧/૧૭૮૨
પૂર્વાશ્રમનું નામ – ખુશાલ ભટ્ટ
જ્ઞાતિ – ઔદિભ્ય વિપ્ર
પિતાનું નામ – મોતીરામ ભટ્ટ
માતાનું નામ – કુશળબા
ગોપાળાનંદ સ્વામીના જીવન વિષ્યક પ્રસંગોના પુસ્તકોના વિવિધ પ્રકાશનો થયા છે તેથી સ્વામીશ્રીના જીવનવિષ્યક વિશેષ વિગતો જ અત્રે રજુ કરેલ છે.
ગોપાળાનંદ સ્વામી શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, યોગી સિદ્ધપુરુષ હતા. સંસ્કૃત ભાષાના વિવિધ શાસ્ત્રોની વિવિધ વ્યાખ્યાઓ તેઓશ્રીએ કરી છે. પોતાની આ વ્યાખ્યાઓમાં સ્વામીશ્રીએ જેતે શાસ્ત્રને અનુરુપ અને સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરીને પોતાના સ્વતંત્ર વિચારો દર્શાવ્યા છે. તેનો સારાંશ અહી આપીએ છીએઃ ઇશાવાસ્યોપનિષદની પોતાની વ્યાખ્યામાં સ્વામીશ્રી લખે છે કે સમગ્ર જગતમાં પરમાત્મા વ્યાપક છે એમ કહેવાયું છે તેની વિગત આ મુજબ સમજવી. પોતાના અંશરુપ અક્ષરપુરુષ દ્વારા પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપીને રહે છે. અક્ષરપુરુષ દ્વારા વ્યપ્ત પરમાત્મા સર્વજીવોને તેના કર્મફળો પણ અક્ષરપુરુષ દ્વારા જ આપે છે. પરમાત્મા સૃષ્ટિ સર્જન કરે છે તે સર્જન પણ અક્ષરપુરુષ દ્વારા કરે છે. અક્ષરબ્રહ્મ તે ધામમાં રહેલા મુકતો તે બધાનું પાલનપોષણ, ધારણ, નિયમન વગેરે પરબ્રહ્મ પોતે જ કરે છે. ઉપરોકત તત્વો પરમાત્માના શાસનમાં છે. અક્ષરપુરુષના શાસનમાં નથી.
અક્ષરશબ્દના ત્રણ અર્થ થાય છે (૧) પરબ્રહ્મને તથા તેના મુકતપુરુષોને રહેવાનું સ્થાન તેને અક્ષર કહે છે. (૨) અક્ષરધામમાં રહેલા મુકતપુરુષોને અક્ષર કહે છે અને (૩) પરમાત્માની અંતર્યામી શકિત વડે શકિતમંત અને પરમાત્માની પ્રેરણાથી સૃષ્ટિ સર્જન કરનાર પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષને પણ અક્ષર કહે છે.
અક્ષરના બે સ્વરુપ છે. (૧) અમૂર્ત સ્વરુપઃ પરબ્રહ્મ અને નિત્ય મુકતોને રહેવાનું જે સ્થાન છે તે સ્થાન પ્રકાશપૂર્ણ અને ચૈતન્યમય છે. આ પ્રકારનું અક્ષરનું જે સ્વરુપ છે તેને અમૂર્ત સ્વરુપ કહે છે. (૨) મૂર્ત સ્વરુપઃ જ્ઞાતૃત્વધર્મયુકત ચૈતન્યપૂર્ણ સાકાર સ્વરુપે રહીને પરબ્રહ્મના સ્વરુપનો આનંદ પ્રાપ્ત કરનાર તથા પરબ્રહ્મની સેવા કરનાર જે સ્વરુપ છે તે સ્વરુપને મૂર્તસ્વરુપ કહે છે.
જીવ, ઇશ્ર્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ આ પાંચેય તત્વો અનાદિ અને રુપ, ગુણ, ક્રિયા વગેરે ભિન્ન ભિન્ન છે.
ભાગવત પુરાણના દશમસ્કંધસ્થ વેદસ્તુતિના અધ્યાયની વ્યાખ્યામાં સ્વામીશ્રી લખે છે કે, પરમાત્માની વાણી અર્થાત શબ્દબ્રહ્મ એનું નામ જ વેદ. તે વાણી પ્રકાશમય, જ્ઞાનતૃત્વ ધર્મયુકત અને ચેતનવત હોવાથી તે મૂર્તિમંત અને ક્રિયાવંત છ એમ માની શકાય અને એથી જ આ અધ્યાયમાં કહેવાયું છે કે વેદો ભગવાનની સ્તુતી કરે છે. આ પ્રકારના વિવિધ વિચારો સ્વામીશ્રીએ પોતાની વ્યાખ્યામાં આપેલા છે.
સ્વામીશ્રી સંસ્કૃત વ્યાકરણ વિષ્યાક વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. ક્રિયાપદ, શબ્દ, ઉપસર્ગ, અવયવો, તદ્ધિત, સમાસ, અલંકારો વગેરેના પ્રયોગો પરત્વે વ્યકરણ વિષયક કેટલીક વિશિષ્ટ ચર્ચાઓ સ્વામીશ્રીએ પોતાની વ્યાખ્યાઓમાં આપી છે. જીજ્ઞાસુઓએ સ્વામીશ્રીએ લખેલા જેતે પુસ્તકોની વ્યાખ્યાઓનું અવશ્ય વાંચન કરવું જોઇએ. વિસ્તારભયથી તે અંગેની વિશેષ ચર્ચા અહીં કરી નથી.
અનેકવિધ સાહિત્ય નિર્માણ દ્વારા સંપ્રદાયની સેવા કરનાર સ.ગુ.ગોપાળાનંદ સ્વામીએ મંદિર નિર્માણકાર્ય તેમજ સંપ્રદાયની પુષ્ટિ માટે પણ ઉમદા સેવાકાર્ય કરેલ છે. તે મુજબ સ્વામીશ્રીએ સંવત ૧૯૦૬ના આસો વદ પ ના દિવસે સારંગપુરમાં કષ્ટભંજન નામે પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરેલ છે. આ હનુમાનજી મહારાજ વર્તમાનકાળમાં પણ અનેક લોકોના દુઃખ દૂર કરીને તેઓની મનોકામના પૂર્ણ કરે છે. તે જ રીતે સ્વામીશ્રીએ જૂનાગઢમાં સંવત ૧૯૦૧ ના જેઠ માસમાં મહાપ્રતાપી એવી મહાપૂજાનું પ્રવર્તન કરેલ છે. સ્વામીશ્રીના આશીર્વાદથી વર્તમાનકાળે પણ તે મહાપૂજા કરાવનાર લોકો મનવાંછિત સુખ મેળવે છે. તદુપરાંત સ્વામીશ્રીના વચનથી નિષ્કંટક બોરડી પણ લોકોને પોતાના દોષરુપી કંટકોને દૂર કરીને સદગુણી બનવાનો સંદેશ આપતી દર્શન આપી રહી છે.
દેવ, આચાર્ય, ત્યાગી, ગૃહી અને શાસ્ત્ર વગેરેની શ્રીહરિની આજ્ઞાનુસાર પ્રવૃતિ થાય તેવી મર્યાદાઓ બાંધી કર્મનિયમની પ્રવૃતિ કરીને શ્રીજી મહારાજનું સર્વોપરીપણું યથાશાસ્ત્ર પ્રવર્તાવનારા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ યોગીવર્ય સ.ગુ. ગોપાળાનંદ સ્વામી સંવત ૧૯૦૮ના વૈશાખ વદ ૪ ને શુક્રવાર તા. ૭/પ/૧૮પ૨ ના રોજ વડતાલમાં પંચભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરવાસી થયા