શયની એકાદશી (અષાઢ સુદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢમાસના શુકલ પક્ષમાં કઇ એકાદશી હોય છે.
કૃપાનિધિ બોલ્‍યાઃ 
રાજન ! અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી  એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું એ મહાન પૂણ્યમયી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુકલપક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્‍પથી શ્રી વિષ્‍ણુંનું પુજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવ પોઢી એકાદશીના દિવસે મારું એક સ્‍વરુપ રાજા બલીને ત્‍યા રહે છે. અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્‍યા પર ત્‍યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે. આથી અષાઢ શુકલા એકાદશીથી માંડીને કારતક શુકલા એકાદશી સુધી મનુષ્‍યે. વિશેષરુપે ધર્મનું આચરણ કરવું જોઇએ. જે મનુષ્‍ય આ વ્રતનું અનુષ્‍ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્‍ત થાય છે. આથી પ્રયત્‍ન પૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઇએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્‍ણુની પૂજા કરવી જોઇએ. એમ કરનારા પુરુષના પૂણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્‍ય દીપદાન, ખાખરાના પાન પર મોજન, તથા વ્રત કરતાં ચોમાસુ વ્‍યતિત કરે છે, તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્‍ણું યોગ નિદ્રામાં શયન કરે છે, આથી મનુષ્‍યે ભૂમિ પર શયન કરવું જોઇએ. શ્રાવણમાં શાક અને દૂધ ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્‍યાગ કરી દેવો જોઇએ. અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્‍ત થાય છે. રાજન ! એકાદશીના વ્રતથી મનુષ્‍ય બધાજ પાપોથી મુકત થઇ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઇએ.
દેવપોઢી અને (કાર્તિક શુકલા) દેવ ઊઠીની વચ્‍ચે જે કૃષ્‍ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એજ વ્રત રાખવા માટે યોગ્‍ય છે. બીજા મહિનાઓની કૃષ્‍ણપક્ષની એકાદશી ગૃહસ્‍થી માટે વ્રત રાખવા યોગ્‍ય નથી હોતી શુકલ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઇએ.