સ.ગુ.સ્‍વામી અખંડાનંદજી (મોટા)

‘અખંડાનંદજી મોટા તપવાન’ (નંદમાળા-મંજુકેશાનંદજી)

આ અખંડાનંદ સ્‍વામી મોટા અખંડાનંદ સ્‍વામી તરીકે પ્રસિદ્ધ હતા. મોટા અખંડાનંદ સ્‍વામીના સદગુણોનું વર્ણન મંજુકેશાનંદ સ્‍વામીએ સ્‍વરચિત ‘ઐશ્ર્વર્યપ્રકાશ’ ગ્રંથમાં આ મુજબ કરેલ છે.

‘સંત અખંડાનંદ કહાવે, શ્રીહરિ કે ગુન નિશદિન ગાવે
જોગી તપસ્‍વી અરુ અતિ ત્‍યાગી.’

મોટા અખંડાનંદ સ્‍વામી પૂર્વ પંજાબ દેશના વતની હતા. પંજાબી, હિન્‍દી, ગુજરાતી વગેરે ભાષા બોલનાર અને સમજનાર અખંડાનંદ સ્‍વામી તપસ્‍વી, યોગી અને વૈરાગ્‍યવંત સંત હતા. પોતાના શિષ્‍યો સહિત વિવિધ ગામોમમાં વિચરીને સ્‍વામીરીએ સત્‍સંગ પ્રચાર કરેલો. તેમના કેટલાક પ્રસંગો અહીં આપ્‍યા છે.

          એક વખત મોટા વ્‍યાપકાનંદ સ્‍વામી સંતોનું મંડળ લઇને વડોદરા શહેરમાં સત્‍સંગ પ્રચાર માટે ગયેલા. તેમની સાથે અખંડાનંદ સ્‍વામી પણ હતા. એ સમયમાં વડોદરામાં બ્રિટીશ રાજયના અંગ્રેજ અધિકારીઓની સત્તાની શરુઆત થયેલી તેથી આ સંતોને જોઇને અંગ્રેજ અધિકારીઓ પ્રભાવિત થઇને સંતો પાસે આવતા ત્‍યારે અખંડાનંદ સ્‍વામી હિન્‍દી, બંગાળી વગેરે ભાષા વડે તે અંગ્રેજ અધિકારીઓને આ સંપ્રદાય વિષ્‍યક માહિતી આપતા. (હ.ચ.સા.પુ. ૧પ ત. ૩૦.)

          એક સમયે સંતો સહિત શ્રીહરિ કચ્‍છ દેશમાં પધાર્યા અને ફરતા ફરતા ભચાઉ ગામ પધાર્યા અને ત્‍યાં રોકાયા. ત્‍યાના મુમુક્ષુઓને કથાવાર્તાનો લાભ આપવા શ્રીહરિએ અખંડાનંદ સ્‍વામીને કહ્યું કે આ ગામમાં મુમુક્ષુઓ અને જીજ્ઞાસુઓને સત્‍સંગનો લાભ આપવા તમે અહી રહો અને કથાવાર્તાનો લાભ આપો. શ્રીહરિની આજ્ઞાથી અખંડાનંદ સ્‍વામી ભચાઉ ગામમાં દશ દિવસ રહ્યા અને સત્‍સંગનો પ્રચાર કર્યો. સ્‍વામીશ્રીની કથાવાર્તા સાંભળીને તે ગામના સત્‍સંગી જેરામભાઇ સંસારસુખ ત્‍યાગીને સાધુ થયા અને નિર્લોભાનંદ નામથી સત્‍સંગમાં પ્રસિદ્ધ થયા.

          વિકટ પ્રદેશમાં ફરીને અનેક વિપતી સહીને સત્‍સંગ પ્રચારમાં શ્રદ્ધાવંત અખંડાનંદ સ્‍વામી એકવખત ગીરના ગાઢ જંગલમાં ભૂલા પડયા. તેવામાં ચાર સિંહનો સમૂદાય જંગલમાં જોયો. તેને જોઇને સ્‍વામીએ વિચાર્યું કે આ સિંહો મને મારશે પરંતુ ધાર્યું ભગવાનનું થશે એમ ધારી શ્રીહરિનું સ્‍મરણ કરતાકરતા સિંહની સામે ચાલ્‍યા. સ્‍વામીની અને સિંહની એક દ્દષ્‍ટી થતા સિંહની ચિત્ત વુત્તિ શાંત થઇ. પરિણામે સ્‍વામીને પ્રદક્ષિણા કરીને નમસ્‍કાર કરીને સિંહ દૂર ચાલ્‍યા ગયા, એવો સ્‍વામીનો પ્રતાપ હતો.

          અવિચળગિરિ નામનો અતીત સાધુ શંકરનો પૂજારી હતો અને દરબારશ્રી એભલખાચરનો વિશ્ર્વાસુ માણસ હતો. તેથી તે દરબારગઢમાં રહેતો. એકવખત તે દરબારશ્રીની તલવાર, ઢાલ, વસ્‍ત્રો અને ૧૦૦ રુપિયા આ બધી જ વસ્‍તુઓની ચોરી કરીને ભાગી ગયો. આ વાત દરબારશ્રીએ મહારાજને કહી. મહારાજે દરબારશ્રીને કહ્યું કે “તમે પધરાવેલા મહાદેવજીની તમે માનતા કરો. ઘેરે બેઠા તમારી વસ્‍તુ તમને મળી જશે.” શ્રીહરિના કહેવા મુજબ દરબારશ્રીએ માનતા કરી. ત્‍યારબાદ સમાધિનિષ્‍ઠ અને શરીરે સશકત એવા મોટા અખંડાનંદ સ્‍વામીને શ્રીહરિએ કહ્યું કે, “દરબારગઢમાં જે અવિચળગિરી નામે અતીત સાધુ રહેતો હતો તે દરબારશ્રીની વસ્‍તુઓ ચોરીને સલેમાળ ડુંગર તરફ ભાગી ગયો છે. તેને પડકવા માટે તમે સાલેમાળ તરફ જાઓ અને તે ડુંગરની પશ્ર્ચિમ બાજુના માર્ગમાં બેસજો. તે અતીત તમને ત્‍યાં ભેગો થઇ જશે. તેને પકડી તેની પાસેથી બધો માલ લઇને થોડો ઘણો ભય બતાવીને જવા દેજો.”