‘ગુણાતીતાનંદ ભજન ભરપુર, મંદિરના મહંત કર્યા જાણી શૂર’
(નંદમાળા-મંજુકેશાનંદજી)
જન્મભૂમિ – ભાદરા ગામ
જિલ્લો – જામનગર
જન્મ સમય – સંવત ૧૮૪૧ આસો સુદ ૧પ સોમવાર તા. ૧૭/૧૦/૧૭૮પ
પૂર્વાશ્રમનું નામ – મુળજીભાઇ
જ્ઞાતિ – સ્વપ્ર
પિતાનું નામ – ભોળાનાથ
માતાનું નામ – સાકરબાઇ
ગુણાતીતાનંદ સ્વામીના પૂર્વજો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વામીશ્રી પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને તેમણે પણ રામાનંદ સ્વામીના દર્શન, સેવા, સમાગમનો લાભ લીધેલો. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સંપ્રદાયના ગુરુપદે નિયુકત કર્યા એ પ્રસંગે મુળજીભાઇ ત્યાં ગયેલા અને રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીના દર્શન કરીને ગૌદાન કરેલું. એ સમયમાં તેમની ઉંમર ૧૮ વર્ષની હતી. મુળજીભાઇએ ઘેર રહીને જ પ્રાથમિક અભ્યાસ કરેલો અને ગૌસ્વામી નરસિંહલાલજી નામના વૈષ્ણવ આચાર્ય પાસે રહીને શુદ્ધદ્વૈત વેદાંતનો પ્રાથમિક અભ્યાસ કરેલો.
એક વખત સત્સંગ પ્રચારાર્થે ગામડાઓમાં વિચરતા શ્રીહરિ ભાદરા પધાર્યા ને તે ગામમાં દિવાળીનો ઉત્સવ કર્યો. આ ઉત્સવમાં મુળજીભાઇ અને તેમના પિતાશ્રીએ સેવા કરીને શ્રીહરિને પ્રસન્ન કરેલા. ત્યારબાદ સંવત ૧૮૬૦ની સાલમાં મુળજીભાઇના પિતાશ્રી અક્ષરવાસી થયા તેથી ઘરના વ્યવહારની સમગ્ર જવાબદારી મુળજીભાઇને સંભાળવી પડી.
એક વખત ભાદરા ગામની સીમમાં એક સંત રાત્રિ રોકાયા. શિયાળાની ઋતુ હોવાથી તેઓ ત્યાં હિમના ઝપાટામાં આવી ગયા. મુળજીભાઇને ખબર પડતા તેઓ ત્યાં આવયા અને તે સંતને ઘેર લાવીને મગના ડાખળાની પથારી કરી તેની ઉપર ગોદડા પાથરી તેમાં તે સંતને સુવડાવી માથે ગોદડા ઓઢાડીને સૂવાડયા. ધીરે ધીરે તે સંત સાજા થયા. આ રીતે તેની સેવા કરી મુળજીભાઇએ પ્રસન્નતા મેળવી.
પૂર્વના મુમુક્ષુ અને સંસારસુખથી વિરકત એવા મુળજીભાઇ સમય જતા ગૃહ કુટુંબનો ત્યાગ કરી શ્રીહરિને પ્રાર્થના કરી. મુળજીભાઇમાં ત્યાગ, વૈરાગ્ય અને સેવાવૃતિના ઉતમ લક્ષણો જોઇ શ્રીહરિએ સંવત ૧૮૬૬ના પોષ સુદ ૧પ ને શનિવાર તા. ૨૦/૧/૧૮૧૦ ના રોજ ડભાણમાં યજ્ઞ પ્રસંગે તેઓને ભાગવતી સાધુ દીક્ષા આપીને ગુણાતીતાનંદ નામ રાખ્યું. સાધુ દીક્ષા લીધા પછીથી સ્વામીશ્રી મુકતાનંદ સ્વામી સાથે રહ્યા અને ધ્યાન ભજનનો અભ્યાસ કર્યો.
નાનપણથી જ સેવાની વૃતિ ધરાવતા સંતવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ અનેક બીમાર સંતોની સેવા-સુશ્રુષા કરને નીરોગી બનાવેલા અને તે રીતે તે સંતો તથા શ્રીહરિનો રાજીપો મેળવી સેવાભાવી સંત તરીકેનું ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે. તેના કેટલાક પ્રસંગો આ મુજબ છે.
(૧) એક વખત કોઇ ચીપી રોગને કારણે કારિયાણી ગામમાં ૧૯ સંતો બીમાર થયા શ્રીહરિની આજ્ઞાથી સ્વામીએ તે બીમાર સંતોની સેવા કરીને તેને સાજા કર્યા ને તે રીતે શ્રહરી અને તે સંતોની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
(૨) વડતાલમાં ૧૮ સંતો બીમાર થયેલા અને તે સંતોની સેવા કરી સ્વામીશ્રીએ શ્રીહરિ અને સંતોની પ્રસન્નતા મેળવી.